સોના-ચાંદીમાં ફરી તેજી, પણ ‘ફેડ’નો ડર યથાવત્
સોનામાં સપોર્ટ $4,100 અને રેઝિસ્ટન્સ $4,267, ડોલર-યીલ્ડના દબાણ વચ્ચે સોનું સપ્તાહે 1.31% અને ચાંદી 1.05% વધ્યાં, અમેરિકન CPI અને બોન્ડ યીલ્ડ નક્કી કરશે આગામી દિશા, ફેડના વ્યાજદર વધારાની આશંકા સામે ચીનની ખરીદી અને રેકોર્ડ ગોલ્ડ ETF હોલ્ડિંગે ભાવને ટેકો આપ્યો.

સોના અને ચાંદીના ભાવ ગયા સપ્તાહે બે અલગ અલગ તબક્કામાં વિભાજિત રહ્યા. સપ્તાહની મધ્યમાં અમેરિકન ફેડરલ રિઝર્વની આકરી નાણાંનીતિના સંકેતો આપતી બેઠકની મિનિટ્સ અને અધિકારીઓના ભાષણ, મજબૂત ડોલર તથા અમેરિકન ટ્રેઝરી યીલ્ડ બે દાયકાના ઊંચા સ્તરની નજીક પહોંચતા બંને કિંમતી ધાતુઓ પર ભારે દબાણ આવ્યું હતું. જોકે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ‘સકારાત્મક ચર્ચા’ની વાત કર્યા પછી બજારની ધારણા બદલાઈ હતી. ટ્રમ્પના નિવેદન પછી ક્રૂડના ભાવમાં ઘટાડો આવ્યો હતો અને ફુગાવાનો ભય ઓછો થયો હતો. ભારતીય રિઝર્વ બેન્કે વર્ષ 2023 પછી પહેલો વ્યાજદર વધારો પણ રૂપિયાને મજબૂતી આપવામાં નિષ્ફળ રહ્યો. રૂપિયાની નબળાઈએ ઘરેલુ બજારમાં સોના-ચાંદીના ભાવને ટેકો આપ્યો હતો. સોનાને ટેકો આપનારા અન્ય કારકો પણ મજબૂત રહ્યા. ચીને સતત 23મા મહિને સોનાની ખરીદી ચાલુ રાખી અને વૈશ્વિક ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)નું કુલ હોલ્ડિંગ વિક્રમી સ્તરે પહોંચી ગયું. ભારતમાં તહેવારની મોસમ પહેલા ખરીદાર કિંમતો અંગે સાવધ છે જ્યારે અમેરિકન CPI મોંઘવારીના આંકડા બજારની આગામી દિશા નક્કી કરશે.
ભાવનું પ્રદર્શન
કિંમતી ધાતુઓ માટે આ સપ્તાહ બે અલગ અલગ તબક્કાવાળુ રહ્યું. સોમવારથી બુધાર સુધી મજબૂત ડોલર અને અમેરિકન ટ્રેઝરી યીલ્ડના 24 વર્ષના ઊંચા સ્તર પર પહોંચવાથી સોનાના ભાવ પર દબાણ રહ્યું. બુધવારે સોનું ગગડીને 4,066.54 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું, જે પાંચ ઓગસ્ટ બાદ સૌથી નીચલા સ્તરે હતું. ત્યાર પછી બજારનું વલણ બદલાયું હતું. 4,000-4,100 ડોલરના દાયરામાં નીચલા સ્તરો પરખરીદી કરનારા રોકાણકાર સક્રિય થયા. વોશિંગ્ટન તરફથી તહેરાન સાથે વાતચીતના સંકેત મળ્યા પછી ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ આવી હતી અને ડોલર પણ નબળો થયો હતો. શુક્રવારે સ્પોટ ગોલ્ડ 4,194.65 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયું હતું, જે સમગ્ર સપ્તાહમાં 1.31 ટકાની તેજી દર્શાવે છે. બીજીબાજુ Comexમાં સોનાનો ડિસેમ્બર વાયદો 4,216.30 ડોલર પર બંધ થયો હતો અને સતત બે સપ્તાહથી ચાલતો નરમાઈનો સિલસિલો તૂટી ગયો હતો. સપ્તાહના મધ્યમાં ચાંદીમાં સોનાની સરખામણીમાં વધુ ઘટાડો નોંધાયો હતો. બુધવારે તેની કિંમત 3 ટકા તૂટી હતી અને ગુરુવારે ક્રિસ્ટોફર વોલરની ટીપ્પણી પછી તે ઓગસ્ટના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી. જોકે, શુક્રવારે ચાંદીમાં 2.4 ટકાની તેજી જોવા મળી હતી. Comex પર ચાંદી પ્રતિ ઔંસ 61.05 ડોલરના સ્તરે બંધ થઈ હતી, જે સપ્તાહ દરમિયાન 1.05 ટકાની તેજી દર્શાવે છે. બીજીબાજુ MCX પર ચાંદી રૂ. 2,19,801ના નીચલા સ્તરે પહોંચ્યા પછી રૂ 2,22,755ના સ્તરે લગભગ સપાટ બંધ થઈ હતી. સોના-ચાંદીનો રેશિયો લગભગ 69 પર બનેલો છે. બજારમાં વ્યાજ દર વધવાની આશંકા હોય છે તો ચાંદીને સામાન્ય રીતે સોનાની સરખામણીમાં વધુ નુકસાન ઉઠાવવું પડે છે.
વ્યાપક પૃષ્ઠભૂમિ અને ફેડ નીતિ : વ્યાજદરોમાં વધારાની આશંકા યથાવત્
અમેરિકન ફેડરલ રિઝર્વ ફરી એક વખત બજારની ચર્ચાનો સૌથી મોટ વિષય છે. બુધવારે જાહેર કરાયેલી સપ્ટેમ્બરની બેઠકની મિનિટ્સથી ખ્યાલ આવે છે કે ફેડના બધા સભ્યોએ પાછલા મહિને વ્યાજદર વધારવાના નિર્ણયનું સમર્થન કર્યું હતું, જોકે, તેની પાછળના કારણો અંગે તેમના વિચારો અલગ અલગ હતા. કેટલાક સભ્યોએ ઊર્જાના ભાવમાં વધારાથી મોંઘવારી વ્યાપકરૂપે ફેલાવાના જોખમ વિરુદ્ધ તકેદારીનું પગલું માન્યું. બીજીબાજુ વધુ આકરું વલણ રાખનારા સભ્યોએ માગ આધારિત મોંઘવારીના પ્રારંભિક સંકેતો પર ચિંતા વ્યક્ત કરી હતી. બંને જ સ્થિતિમાં મોટાભાગના સભ્યોને આશા છે કે વર્ષ પૂરું થતા પહેલા વ્યાજદરોમાં વધુ એક વધારો થઈ શકે છે. ફેડ અધિકારીઓના નિવેદનોએ પણ આ વલણને નબળું થવા દીધું નથી. ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે કહ્યું કે,આગળ વ્યાજદર વધવાની સંભાવના છે. જોકે, ઓક્ટોબરમાં દરોને સ્થિર રાખવાની સંભાવના પણ છે. સેન્ટ લુઈસ ફેડના અધ્યક્ષ અલ્બર્ટો મુસાલેમ અને કેનસસ સિટી ફેડના જેફ્રી શ્મિડે પણ લગભગ આ જ પ્રકારના વિચાર વ્યક્ત કર્યા હતા. CME ફેડવોચ મુજબ સપ્તાહના અંત સુધીમાં ઓક્ટોબરમાં વ્યાજદર વધવાની સંભાવના માત્ર 19 ટકા આંકવામાં આવી છે. જોકે, ડિસેમ્બર સુધીમાં ઓછામાં ઓછા 25 બેસિસ પોઈન્ટનો વધુ એક વધારો થવાની સંભાવના 84 ટકા હતી. અમેરિકાના આર્થિક આંકડા મિશ્ર રહ્યા. ISM સેવા ક્ષેત્રનો સૂચકાંક ઘટીને 54.9 પર આવી ગયો. બેરોજગારી ભથ્થાંના પ્રારંભિક દાવા 1,97,000ના નીચલા સ્તર પર રહ્યા અને મિશિગન યુનિવર્સિટીના પ્રારંભિક ગ્રાહક ધારણા સૂચકાંક 48.1થી ઘટીને 46.3 પર આવી ગયો. પાછલા સપ્તાહે સપ્ટેમ્બરના રોજગાર આંકડામાં આવેલી નરમાઈ ઓક્ટોબરમાં વ્યાજદર વધવાની સંભાવના ઘટવાનું મુખ્ય કારણ છે.
ભૂ-રાજકીય તણાવ : હોર્મુઝનું જોખમ યથાવત્, ઓઈલના ભાવમાં નરમાઈ
સમગ્ર સપ્તાહ દરમિયાન મધ્ય-પૂર્વની સ્થિતિ બજારના કેન્દ્રમાં રહી. ઈરાને તેણે અધિકૃત ના કર્યા હોય તેવા સમુદ્રી માર્ગો પરથી જહાજોનું પરિવહન રોકવાની ચેતવણી આપી હતી. બીજીબાજુ ટેન્કર સંચાલકોએ જહાજો પર હુમલાનું જોખમ વધવાની માહિતી આપી. લાલ સાગર ક્ષેત્રમાં યમનની સરકારી સેનાઓએ દાવો કર્યો કે હુથી બળવાખોરો પાસેથી બાબ-અલ-મંદેબની આજુબાજુના દરિયા કિનારાના મોટા વિસ્તારો પરથી કબ્જો પાછો મેળવી લેવાયો છે. ગુરુવારે સ્થિતિમાં પરિવર્તન આવ્યું, પ્રમુથ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે,અમેરિકા ઈરાન સાથે ‘સકારાત્મક વાતચીત’ કરી રહ્યું છે અને 3 નવેમ્બરની મધ્યવર્તી ચૂંટણી પહેલા હુમલાની કોઈ યોજના નથી. ત્યાર પછી બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટને લગભગ 103 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા હતા. જોકે, તે હજુ પણ પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપર છે. તેનાથી મોંઘવારી અંગે ચિંતા આંશિક ઘટી છે અને સોનાના ભાવને સ્થિર થવાની તક મળી છે. યૂરો ક્ષેત્ર, વિશેષરૂપે ફ્રાન્સની નાણાકીય સ્થિતિ અંગે ચિંતાઓએ સરકારી બોન્ડની યીલ્ડને ઊંચા સ્તરે જાળી રાખ્યું. તેનાથી સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે સોનાની માગને પણ સમર્થન મળ્યું
કરન્સી હિલચાલ
ડોલર ઈન્ડેક્સ સોમવારે 102.54ના સ્તરે પહોંચ્યો અને સપ્તાહના અંતે 102.23ના સ્તરે રહ્યો. આખા સપ્તાહમાં તેમાં 0.30 ટકાનો વધારો નોંધાયો. ઊંચા બોન્ડ યીલ્ડ અને ફેડના આકરા વલણથી ડોલરને સમર્થન મળ્યું. જોકે, શુક્રવારે યીલ્ડ તેના ઊંચા સ્તરથી નીચે આવ્યું, જેનાથી ડોલરમાં આંશિક નરમાઈ આવી હતી. ભારતીય રૂપિયા માટે સપ્તાહ મુશ્કેલ રહ્યું. વિદેશી રોકાણકારોની ભારતીય શેરબજારમાં સતત વેચવાલી અને ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર રહેવાના કારણે રૂપિયો 0.50 ટકા નબળો થઈને 96.78ના પ્રતિ ડોલરે પહોંચ્યો હતો. ગુરુવારે વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)એ ભારતીય શેરબજારમાંથી શુદ્ધરૂપે રૂ. 12,943 કરોડ પાછા ખેંચ્યા હતા. ભારતીય રિઝર્વ બેન્કે 7 ઓક્ટોબરે રેપોરેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને તેને 5.50 ટકા કરી દીધા. સાથે જ તેણે પોતાની નાણાં નીતિનું વલણ બદલીને ‘કેલિબ્રેટેડ ટાઈટનિંગ’ એટલે કે ક્રમિક નાણાં કડકાઈ કરી દીધું. RBIએ નાણાકીય વર્ષ 2026-27 માટે CPI મોંઘવારીનો અંદાજ 5.2 ટકા રાખ્યો છે. જોકે, વ્યાજદર વધવાથી ટૂંકા સમયમાં રૂપિયાને ખાસ મજબૂતી મળી નથી. તેમ છતાં બજારમાં RBI દ્વારા ડોલર વેચવાની સંભવિત કાર્યવાહીની આશાથી શુક્રવારે સવારે રૂપિયામાં લગભગ 23 પૈસાની રિકવરી થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હોવા છતાં રુપિયાની નરમાઈએ ઘરેલુ બજારમાં સોના-ચાંદીના ભાવને મજબૂત સમર્થન આપ્યું.
રોકાણ અને રીટેલ માગ
કેન્દ્રીય બેન્કોનીખરીદી હજુ પણ સોનાના ભાવ માટે સૌથી મજબૂત આધાર છે. ચીનની કેન્દ્રીય બેન્ક, પીપલ્સ બેન્ક ઓફ ચાઈના (PBOC)એ સપ્ટેમ્બરમાં પણ સોનાની ખરીદી વધારી. આ સતત 23મો મહિનો હતો જ્યારે તેણે પોતાનો સોનાનો ભંડાર વધાર્યો છે. આ સપ્તાહે જાહેર કરાયેલા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના આંકડા મુજબ સપ્ટેમ્બરમાં વૈશ્વિક ગોલ્ડ ETFમાં 67.3 ટન સોનું ઉમેર્યું. તેનાથી કુલ હોલ્ડિંગ વધીને વિક્રમી 4,256 ટન પર પહોંચી ગયું. ત્રીજા ત્રિમાસિકમાં ગોલ્ડ ETFમાં કુલ 211 ટનનું રોકાણ આવ્યું, જેનું મૂલ્ય વિક્રમી 31 અબજ ડોલર રહ્યું, જેમાં ઉત્તર અમેરિકાએ 27.7 ટન, યુરોપે 21.7 ટન, એશિયાએ 16.2 ટનનો વધારો કર્યો. આ સતત ત્રીજા મહિને એશિયામાં ગોલ્ડ ETFમાં રોકાણ વધ્યું છે. WGCએ કહ્યું કે, ભારતીય શેરબજારમાં નરમાઈના કારણે રોકાણકારો સોના તરફ વધુ આકર્ષિત થયા. સ્ટેટ સ્ટ્રિટે તેનો આધારભૂતઅંદા જાળવી રાખ્યો છે. તેના મુજબ માર્ચ 2027ના પહેલા ત્રિમાસિકના અંત સુધી સોનાના ભાવ 4,750-5,500 ડોલર પ્રતિ ઔંસના દાયરામાં પહોંચી શકે છે. આ અંદાજ પાછળ સરકારી દેવાંનું વિક્રમી સ્તર અને કેન્દરીય બેન્કોની મજબૂત માગ મુખ્ય કારણ દર્શાવાયા છે.
ટેકનિકલ આઉટલૂક
સોના અને ચાંદીના મુખ્ય સપોર્ટ અને રેઝિસ્ટન્સ સ્તર આ પ્રકારના છે.
• સ્પોટ ગોલ્ડ : ટેકો $4,100 / $4,000; પ્રતિકારક $4,200 / $4,267.
• MCX સોનું : ટેકો ₹1,47,900 / ₹1,46,000; પ્રતિકાર ₹1,52,500 / ₹1,54,000.
• સ્પોટ ચાંદી : ટેકો $58.50 / $57.00; પ્રતિકાર $62.40 / $64.00.
• MCX ચાંદી : ટેકો ₹2,19,800 / ₹2,15,000; પ્રતિકાર ₹2,29,000 / ₹2,34,000.

આ સપ્તાહની સ્થિતિ
આ સપ્તાહે બજારનું મુખ્ય ફોકસ મોંઘવારીના આંકડા પર રહેશે. ભારતના સપ્ટેમ્બર CPI મોંઘવારીના આંકડા 12 ઓક્ટોબરે જાહેર થશે. બીજીબાજુ અમેરિકાના સપ્ટેમ્બર CPI આંકડા 14 ઓક્ટોબરે આવવાની આશા છે. અમેરિકન CPI મોંઘવારી દર વાર્ષિક આધારે 3.6 ટકા રહેવાનો અંદાજ છે. ત્યાર પછી 15 ઓક્ટોબરે અમેરિકાના ઉત્પાદક મૂલ્ય સૂચકાંક (PPI) અને રિટેલ વેચાણના આંકડા જાહેર થશે. 16 ઓક્ટોબરે ફેડ ચેરમેન વાર્શનું સંબોધન છે. અમેરિકન મોંઘવારીના આંકડા અપેક્ષા કરતા વધુ હશે તો વ્યાજદરમાં વધારાની સંભાવના ફરી મજબૂત થઈ શકે છે. તેનાથી સોનાના ભાવ ઘટીને ફરીથી 4,000 ડોલર પ્રતિ ઔંસના સ્તરે આવી શકે છે. તેનાથી વિપરિત મોંઘવારીના આંકડા આશા કરતા નીચા રહેશે તો સોનું 4,200 ડોલરની ઉપર નીકળીને 4,267 ડોલરની આજુબાજુ સ્થિતિ તેમની 100 દિવસની મુવિંગ એવરેજ તરફ વધી શકે છે. કેન્દ્રીય બેન્કોની ખરીદી, ગોલ્ડ ETFનું વિક્રમી હોલ્ડિંગ અને ભારતમાં તહેવારોની મોસમની શરૂઆતને જોતા તેજી દરમિયાન ઊંચા ભાવ પર ખરીદી કરવાના બદલે ભાવમાં ઘટાડો આવતા ખરીદીની તક શોધવી વધુ યોગ્ય માનવામાં આવી રહ્યું છે.
લેખિકા : ડો. રેનિશા ચૈનાની
ચીફ રિસર્ચ ઓફિસર, ઓગ્મોન્ટ - ગોલ્ડ ફોર ઓલ
Disclaimer - ડો. રેનિશા ચૈનાની, ઓગ્મોન્ટ - ગોલ્ડ ફોર ઓલના ચીફ રિસર્ચ ઓફિસર છે. આ લેખમાં તેમણે આપેલા મંતવ્યો તેમના પોતાના છે. અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શૅર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ના ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

રૂપિયાના સ્તરની ચિંતા છોડો, ભારતે અર્થતંત્રને મજબૂત કરવા પર ભાર મુકવો જોઈએ: ઉદય કોટક

એશિયાઈ કરન્સી ગગડી, રૂપિયો મજબૂત બની 95.16 પર પહોંચ્યો!

ભારત બનશે સ્ટીલ પાવરહાઉસ? 2047 સુધી 604 મિલિયન ટનની ક્ષમતાનો લક્ષ્ય

શેરનો હોલ્ડિંગ પિરિયડ વધારવા LTCG ટેક્સ નાબૂદ કરવા SBI Researchની ભલામણ

ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર; IMFએ GDP વૃદ્ધિ અંદાજ વધારી 7% કર્યો

મોંઘવારીએ તોડ્યો 23 મહિનાનો રેકોર્ડ, સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો 5.54% અને ખાદ્ય ફુગાવો 7.74% થયો

બીજા ક્વાર્ટરમાં ફાઈનાન્સિયલ સેક્ટરના ડીલના વેલ્યુમાં જંગી વધારોઃ 129 ટકા વધી 7.3 અબજ ડોલર



