KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ઈરાનની એરલાઈન્સ પર અમેરિકાની મોટી ‘સર્જિકલ સ્ટ્રાઈક’! 36 કંપનીઓ પર પણ તવાઈ

ઈરાનની એરલાઈન્સના આંતરરાષ્ટ્રીય સ્તરે ઉડ્ડયન પર અમેરિકાનો પ્રતિબંધ, એરલાઈન્સને મદદ કરનારી કંપનીઓ પર પણ પ્રતિબંધની ધમકી

desk@kuberanowPublished On : 23 Sept 2026
Iran Airlines
AI Generated Image

ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાએ વધુ એક મોટું પગલું ભર્યું છે.અમેરિકાના નાણાંમંત્રી સ્કોટ બેસેન્ટે જાહેરાત કરી છે કે બુધવારને 23 સપ્ટેમ્બરથી ઈરાનની તમામ એરલાઈન્સના દુનિયાભરમાં ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. અમેરિકાના આ કડક પ્રતિબંધોથી ઈરાનની એરલાઈન્સની આંતરરાષ્ટ્રીય કામગીરી પર અસર થશે.


ઈરાની એરલાઈન્સને કોઈપણ મદદ કરનારી કંપનીઓ પર પણ તવાઈની ધમકી

અમેરિકાએ માત્ર એરલાઈન્સને જ નિશાન બનાવી નથી, પરંતુ ઈરાનની એરલાઈન્સને ઈંધણ આપતી કંપનીઓ, એરપોર્ટ સર્વિસ આપતી કંપનીઓ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપનીઓ અને ટિકિટ વેચતી કંપનીઓને પણ ચેતવણી આપવામાં આવી છે. સ્કોટે ધમકી આપી છે કે કોઈ કંપની ઈરાનની એરલાઈન્સને આ પ્રકારની સેવાઓ આપશે તો તેને દુનિયામાં નાણાકીય વ્યવહારો માટે ચાલતી ડોલર સિસ્ટમથી બહાર કરી દેવાશે. એટલે કે ઈરાનની ફ્લાઈટને વિદેશી એરપોર્ટ પર લેન્ડ કરાવવી, ઈંધણ ભરાવવું કે અન્ય જરૂરી સેવાઓ મેળવવી વધુ મુશ્કેલ બની શકે છે. આની સીધી અસર ઈરાનના મુસાફરો પર પડી શકે છે. આ ધમકી માત્ર પોકળ વાતો નથી તે બતાવવા માટે અમેરિકાએ ઈરાનની વિવિધ એરલાઈન્સને આ પ્રકારની સેવા આપતી 36 જેટલી કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.


આ પ્રતિબંધોથી ઈરાનની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ઘટી શકે છે, મુસાફરીના વિકલ્પો ઓછા થઈ શકે છે અને કેટલાક રૂટ પર મુસાફરીનો ખર્ચ પણ વધી શકે છે. નિષ્ણાતોએ પહેલેથી જ ઈરાનની આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ પર વધતા દબાણની નોંધ લીધી છે.


ઈરાનનું આંતરરાષ્ટ્રીય એવિએશન નેટવર્ક ઠપ થઈ શકે

મહત્વની વાત એ છે કે ઈરાનની એરલાઈન્સ પર અમેરિકાના પ્રતિબંધો પહેલાથી જ હતા અને સપ્ટેમ્બરમાં અમેરિકાએ ઈરાનની તમામ 27 એરલાઈન્સ સામે કાર્યવાહી કરી છે. હવે નવા પગલાથી ઈરાનનું આંતરરાષ્ટ્રીય એવિએશન નેટવર્ક લગભગ ઠપ્પ પડી શકે છે. કારણ કે અમેરિકાની જાહેરાત સાથે ઈરાક, ઓમાન, જ્યોર્જિયા, તૂર્કી જેવા દેશોએ ઈરાનની એરલાઈન્સને તેમના એરપોર્ટ પર લેન્ડિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, ઈરાનને રાજકીય પીઠબળ પૂરું પાડતા ચીન અને રશિયા અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા માન્ય ના હોય તેવા અમેરિકાના એકતરફી પ્રતિબંધોની અવગણના કરતા આવ્યા છે. આથી બંને દેશ અમેરિકાના આ પ્રતિબંધોને પણ નહીં માને તેમ મનાય છે જ્યારે અન્ય દેશો શું પ્રતિભાવ આપશે તેના પર નિષ્ણાતોની નજર છે.


ઈરાનની મહાન એરને સૌથી મોટો ફટકો પડશે

ઈરાનની 27 એરલાન્સમાંથી મહાન એર, ઈરાન એર અને કાસેમ એર આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે, જેમની આંતરરાષ્ટ્રીય કામગીરી પર અસર થઈ શકે છે જ્યારે અમેરિકાના પ્રતિબંધોની ઘરેલુ એરલાઈન્સ પર વિશેષ અસર થવાની શક્યતા નહીવત છે. ઈરાનની સૌથી લોકપ્રિય મહાન એર પડોશી મુસ્લિમ દેશો ઈરાક, ઓમાન, યુએઈ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ થાઈલેન્ડ, વિયેતનામ, ચીન અને રશિયામાં ઓપરેટ કરે છે. આથી, ઈરાનના મુસાફરોએ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસ કરવા માટે અન્ય એરલાઈન્સ પર નિર્ભર રહેવું પડશે.


આ તરફ ઈરાન સાથે અમેરિકાના તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલુ છે અને સમાધાનની શક્યતા અંગે તેઓ આશાવાદી છે. તો એક તરફ વાતચીતના સંકેત અને બીજી તરફ આર્થિક તથા એરલાઈન પ્રતિબંધો. હવે ઈરાન અને અમેરિકા વચ્ચેની સ્થિતિ કઈ દિશામાં જાય છે તેના પર સમગ્ર દુનિયાની નજર છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn