તેલિયા રાજાઓ બેફામ: મગફળીનું મબલખ ઉત્પાદન હોવા છતાં સિંગતેલનો ડબ્બો ₹3,110ની ઐતિહાસિક ટોચે
સરકારની મૌન સંમતિથી સામાન્ય જનતા પર મોંઘવારીનો માર; કપાસિયા અને પામતેલના ભાવ ઘટ્યા છતાં સિંગતેલના ભાવમાં ભડકો.

Groundnut Oil Price: નૂતન વિક્રમ સંવત 2028 ના આરંભ સાથે જ તહેવારોનો ઉત્સાહ હજુ તો માંડ પૂરો થયો છે, ત્યાં જ સામાન્ય માણસને મોંઘવારીના કડવા ડામ મળવાની શરૂઆત થઈ ગઈ છે. દિવાળીના તહેવારો નિમિત્તે સળંગ 6 દિવસ સુધી તેલબજાર બંધ રહ્યા બાદ જ્યારે માર્કેટ ફરીથી ખુલ્યું, ત્યારે ગૃહિણીઓ માટે એક અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના લોકોના રોજિંદા આહારમાં સૌથી વધુ વપરાતા સિંગતેલના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. સિંગતેલનો ડબ્બો રૂ. 3100 ની સપાટી કૂદાવીને હવે રૂ. 3110 ની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયો છે.
આ સમગ્ર પરિસ્થિતિમાં સૌથી વધુ આશ્ચર્ય પમાડે તેવી બાબત એ છે કે, હાલમાં બજારમાં સિંગતેલના ભાવ ઘટવા માટેના તમામ સાનુકૂળ સંજોગો મોજૂદ છે. બજારમાં મગફળીનું પૂરતું ઉત્પાદન છે, ગ્રાહકોની માંગ પણ એકદમ સ્થિર છે, માર્કેટ યાર્ડમાં નવી મગફળીની ધોધમાર આવક શરૂ થઈ ગઈ છે અને બીજી તરફ અન્ય ખાદ્યતેલોના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અર્થશાસ્ત્રનો સીધો નિયમ છે કે બજારમાં આવક વધે એટલે ભાવ કાબૂમાં રહે, પરંતુ અહીં આ નિયમ સાવ ઊંધો સાબિત થઈ રહ્યો છે.
આંકડાઓ પર નજર કરીએ તો, ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં ચાલુ વર્ષે મગફળીના ઉત્પાદનમાં કોઈ જ ઘટાડો નોંધાયો નથી. છેલ્લા 5 વર્ષના આંકડા તપાસીએ તો ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 45 લાખ ટનથી વધીને ગયા વર્ષે 62 લાખ ટનની વિક્રમજનક સપાટીએ પહોંચી ગયું હતું. ચાલુ વર્ષે પણ રાજ્યમાં 50 લાખ ટનથી વધુ મગફળીના ઉત્પાદનનો સ્પષ્ટ અંદાજ છે. ટૂંકમાં કહીએ તો, છેલ્લા 5 વર્ષમાં મગફળીના પાકમાં 30 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. આમ છતાં, સિંગતેલના ભાવમાં જે નિરંકુશ ઉછાળો આવ્યો છે તે સામાન્ય નાગરિકોની સમજની બહાર છે.
આ કૃત્રિમ ભાવવધારા પાછળ તેલલોબીની બેફામ મનમાની જવાબદાર હોવાનું બજારના નિષ્ણાતો માની રહ્યા છે. તેલલોબીએ એ પૂર્વધારણા બાંધી લીધી છે કે ગુજરાતની જનતા સિંગતેલ ખાવાની શોખીન છે અને ભાવ ગમે તેટલા વધશે તો પણ લોકો બધું જ સહન કરી લેશે. સૌથી મોટી કરુણતા એ છે કે સરકાર આ સમગ્ર મામલે સંપૂર્ણપણે ચૂપ છે. સરકારની આ ચૂપકીદીને તેલલોબીએ મૂક સંમતિ માની લીધી છે અને તેના જ કારણે મનફાવે તેમ ભાવ વધારવાની છૂટ મળી ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે.
બીજી તરફ અન્ય તેલોની સ્થિતિ જોઈએ તો, સૌરાષ્ટ્રમાં ઉઘડતી તેલબજારે કપાસિયા તેલના ભાવમાં રૂ. 70 નો અને પામતેલમાં રૂ. 30 નો ધરખમ ઘટાડો નોંધાયો છે. ગત 7 નવેમ્બરના રોજ જ્યારે બજાર બંધ થઈ ત્યારે કપાસિયા તેલના ભાવ રૂ. 2540 થી 2600 ની આસપાસ હતા, જે હવે ઘટીને રૂ. 2470 થી 2530 ના સ્તરે આવી ગયા છે.
એક સમય એવો હતો જ્યારે કપાસિયા તેલ અને સિંગતેલના ડબ્બા વચ્ચે માત્ર રૂ. 100 નો જ તફાવત રહેતો હતો. આજે આ તફાવત વધીને અધધ રૂ. 580 સુધી પહોંચી ગયો છે. આટલો મોટો ભાવફરક હોવાના કારણે આગામી દિવસોમાં ફરસાણના વેપારીઓ તેમજ મધ્યમવર્ગીય પરિવારોની રસોઈમાં મોંઘા સિંગતેલનું સ્થાન સસ્તું કપાસિયા તેલ લઈ લે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. મોંઘવારીના આ સમયમાં સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે, ત્યારે લોકો હવે સરકાર પાસે આ નફાખોરી પર સત્વરે અંકુશ લાવવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Gold Silver Rate Today: 14 નવેમ્બરે અમદાવાદ સહિત દેશના મોટા શહેરોમાં શું છે સોના-ચાંદીના ભાવ
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Expert Speaks : સોનાની ચમક ફીકી, ફોર્સ્ડ સેલિંગ, મોંઘવારી અને ફેડના સંકેતોથી ભાવમાં તીવ્ર ઘટાડો

Crude Oil Price: સપ્લાય વધવાની આશા, બ્રેન્ટ $95.53 અને WTI $88.52

Hallmarked Gold Scam: હોલમાર્ક છતાં સોનાની શુદ્ધતાની નથી ગેરંટી, CAG રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Gold price drop: સોનાના ભાવમાં મોટો કડાકો, $3,900 ની નીચે સરક્યું, જાણો શું છે મોટું કારણ?

Gold Silver Rate Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો 24K, 22K અને 18K સોનાના લેટેસ્ટ રેટ

કપાસિયા ખોળમાં તેજી: દોઢ મહિનામાં રોકાણકારોને 20% થી વધુ વળતર, જિનરોને મોટો ટેકો

10 દિવસમાં સોનું ₹8660 અને ચાંદી ₹15000 તૂટ્યા: જાણો તમારા શહેરમાં આજે શું છે લેટેસ્ટ ભાવ





