KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

પશ્ચિમ એશિયામાંથી ભારતની LPG આયાત 89 ટકાથી ઘટી 40 ટકા થઈ

એપ્રિલ-સપ્ટેમ્બરમાં અમેરિકામાંથી શિપમેન્ટ્સ ત્રણ ગણી વધીને 3.76 એમટી થયા

desk@kuberanowPublished On : 5 Oct 2026
India LPT imports
AI Generated Image

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન યુદ્ધ શરૂ થયા બાદથી ભારતની ક્રૂડ ઓઈલ અને એલપીજી આયાતની પેટર્ન બદલાઈ રહી છે. નાણાકીય વર્ષ 2027ના પહેલા છ માસમાં ભારતની પશ્ચિમ એશિયામાંથી એલપીજીની આયાતમાં વાર્ષિક ધોરણે 71 ટકા ઘટીને 2.93 મિલિયન ટન થઈ હતી. એક વર્ષ અગાઉ એપ્રિલ-સપ્ટેમ્બરના સમયમાં પશ્ચિમ એશિયામાંથી ભારતની એલપીજીની આયાત 10.9 મિલિયન ટન હતી. બીજીબાજુ આ જ સમયમાં ભારતે અમેરિકામાંથી શિપમેન્ટની આયાતમાં ત્રણ ગણો વધારો કર્યો છે તેમ કેપ્લરના ડેટામાં જણાવાયું છે.


ભારતની એલપીજી આયાતમાં પશ્ચિમ એશિયાનો હિસ્સો સતત ઘટી રહ્યો છે. ભારતની એલપીજી આયાતમાં પશ્ચિમ એશિયાનો હિસ્સો 39.6 ટકા છે, જે ગયા વર્ષે સમાન સમયમાં 89.1 ટકા હતો. બીજીબાજુ અમેરિકામાંથી સપ્લાય થતા એલપીજીનો હિસ્સો 1.13 એમટીથી 232 ટકા વધીને 3.76 એમટી થયો છે. આમ, ભારતની આયાતમાં અમેરિકાનો હિસ્સો 9.9 ટકાથી વધીને 50.7 ટકાએ પહોંચી ગયો છે. જોકે, ભારતની એકંદર એલપીજી આયાત એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે 35 ટકા ઘટીને 7.41 એમટી થઈ છે, જે એક વર્ષ અગાઉ 11.41 એમટી હતી.


એલપીજીની આયાતમાં ઘટાડાની સાથે ઘરેલુ એલપીજીના વપરાશમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસીસ સેલ (પીપીએસી)ના આંકડા દર્શાવે છે કે એપ્રિલ-સપ્ટેમ્બરમાં એલપીજીનું વેચાણ 14.93 ટકા ઘટીને 13.797 એમટી થયું હતું, જે એક વર્ષ પહેલાં સમાન સમયમાં 16.218 એમટી હતું. સપ્ટેમ્બરમાં એલપીજી વપરાશ 2.902 એમટીથી વાર્ષિક ધોરણે 9.15 ટકા ઘટીને 2.636 એમટી થયો હતો.


કેપ્લરના ડેટા મુજબ નાણાકીય વર્ષ 2027ના પહેલા છ મહિનામાં ભારત પરંપરાગત પશ્ચિમ એશિય સપ્લાયર્સથી દૂર થઈને વ્યાપક સપ્લાયરો સુધી પહોંચ્યું હતું. યુએઈમાંથી એલપીજી આયાત 3.82 એમટીથી ઘટીને 1.30 એમટી થઈ હતી જ્યારે કતારમાંથી શિપમેન્ટ્સ 2.27 એમટીથી ઘટીને 3,06,000 ટન થયા હતા. કુવૈતમાંથી સપ્લાય 1.76 એમટીથી ઘટીને 3,67,000 ટન રહ્યો હતો જ્યારે સાઉદીઅરબમાંથી શિપમેન્ટ્સ 1.84 એમટીથી ઘટીને 2,93,000 ટન થયા છે.


જોકે, સપ્ટેમ્બરમાં પશ્ચિમ એશિયાના કાર્ગોમાં આંશિક સુધારો જોવા મળ્યો હતો. આ પ્રદેશમાંથી સપ્લાય માસિક ધોરણે બમણો થઈને 9,09,000 ટન રહ્યો હતો, જે ઓગસ્ટમાં યુએઈના નેતૃત્વમાં 4,55,000 ટન હતો. યુએઈના શિપમેન્ટ્સ 1,94,000 ટનથી વધીને 5,48,000 ટન થયા હતા. આમ છતાં પશ્ચિમ એશિયન સપ્લાય સ્પટેમ્બર 2025માં 1.86 એમટીની સરખામણીમાં 51 ટકા નીચો રહ્યો હતો. સપ્ટેમ્બરમાં ભારતની એકંદર એલપીજી આયાત 1.39 એમટી રહી હતી, જે એક વર્ષ અગાઉ 2.03 એમટીની સરખામણીમાં 31.6 ટકાનો ઘટાડો દર્શાવે છે.


ઘરેલુ એલપીજીની જેમ ભારતના એલએનજી સ્રોતમાં પણ મોટાપાયે ફેરફાર જોવા મળે છે. જોકે, એલપીજીથી વિપરિત એપ્રિલ-સપ્ટેમ્બરમાં એલએનજીની આયાત 12.2 ટકા વધીને 13.71 એમટી થઈ હતી, જે એક વર્ષ પહેલાં 12.23 એમટી હતી. એલએનજી આયાતોમાં પશ્ચિમ એશિયાનો હિસ્સો 61.2 ટકાથી ઘટીને 32.3 ટકા રહ્યો છે. પશ્ચિમ એશિયામાંથી એલએનજીનો સપ્લાય 40.8 ટકા ઘટીને 4.43 એમટી થયો છે. યુએસ એલએનજી શિપમેન્ટ્સ 143.5 ટકા વધીને 3.65 એમટી થયા છે. આ સાથે અમેરિકાનો હિસ્સો 12.3 ટકાથી વધને 26.6 ટકા થયો છે.


સૌથી મોટો ફેરફાર કતારમાંથી આયાત પર આવ્યો છે. ભારતે એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન કતારમાંથી માત્ર 4,09,000 ટન એલએજીની આયાત કરી હતી, જે એક વર્ષ અગાઉ સમાન સમયમાં 5.33 એમટી હતી. ઓમાને 2.92 મિલિયન ટન એલએનજી સપ્લાય કર્યું હતું જ્યારે નાઈજિરિયાએ 2.68 એમટી અને યુએઈએ 1.11 એમટીનું યોગદાન આપ્યું હતું. દરમિયાન ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ મજબૂત રહ્યા છે. પીપીએસીના આંકડા સૂચવે છે કે એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન પેટ્રોલનો વપરાશ 7 ટકા વધીને 22.67 એમટી થયો હતો જ્યારે ડીઝલનું વેચાણ 4.85 ટકા વધીને47.89 એમટી થયું હતું.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn