તહેવારો પહેલાં જીરાના ભાવમાં તેજીનો તડકો, 10 દિવસમાં 15% નફો, રોકાણકારો માલામાલ
લાંબા સમય સુધી નીચા ભાવમાં રહ્યા બાદ જીરાના વાયદામાં તહેવારોની ખરીદીથી તેજી જોવા મળી છે. માત્ર 10 દિવસમાં ભાવ વધતાં રોકાણકારોને આશરે 15% વળતર મળ્યું છે, જ્યારે હવે રવિ વાવેતર અને વરસાદ પર બજારની નજર છે.

લાંબા સમયથી નીચા ભાવમાં સ્થિર રહેલા જીરામાં હવે તહેવારોની ખરીદીએ તેજીનો ચમકારો આપ્યો છે. NCDEXના વાયદામાં જીરાનો ભાવ વધતાં માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં રોકાણકારોને આશરે 15% વળતર મળ્યું છે. હવે બજારની નજર આગામી રવિ વાવેતર, જમીનમાં ભેજ અને વરસાદની સ્થિતિ પર રહેશે.
10 દિવસમાં જીરાના ભાવમાં તેજી
NCDEXના વાયદામાં ગત 26 ઑગસ્ટે જીરાનો ભાવ ₹20,690 પ્રતિ ક્વિન્ટલ હતો. ત્યારબાદ 28 સપ્ટેમ્બરે ભાવ ₹21,925ની સપાટીએ પહોંચ્યો હતો. ત્યારબાદ તેજી વધુ ઝડપી બની અને 9 ઑક્ટોબરે જીરાનો ભાવ ₹25,445 પ્રતિ ક્વિન્ટલ થયો. આ રીતે માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં રોકાણકારોને આશરે 15%નું વળતર મળ્યું છે. ભાવમાં આ તેજી બાદ જીરાના બજારમાં તેજીનું માનસિક વલણ જોવા મળી રહ્યું છે.
દિવાળી પહેલાં તહેવારોની ખરીદીથી સપોર્ટ
ઉંઝાના જીરાના હોલસેલ વેપારી વિજય જોષીના જણાવ્યા મુજબ, દર વર્ષે દિવાળી પહેલાં તહેવારોની ખરીદી નીકળતી હોય છે અને આ સમયગાળા દરમિયાન જીરામાં કેટલીક તેજી જોવા મળે છે. આ વખતે લાંબા સમયથી ભાવ નીચા રહ્યા હોવાથી તેજીવાળા બજારમાં વધુ જોર કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. નબળા ચોમાસાને કારણે જમીનમાં ભેજ ઓછો છે. જો 20 ઑક્ટોબર સુધીમાં વરસાદનો એક રાઉન્ડ થાય તો રવિ વાવેતર માટે તે લાભદાયી બની શકે છે. જો વરસાદ ન થાય તો જીરાના પાકના ઉતારા ઘટવાની ભીતિથી ફરી તેજીના મંડાણ થઈ શકે છે.
રવિ વાવેતર અને હવામાન પર રહેશે બજારની નજર
ગુજરાતમાં દિવાળી બાદ એટલે કે 10 નવેમ્બરથી જીરાનું વાવેતર શરૂ થશે, જ્યારે રાજસ્થાનમાં તેના એક મહિના બાદ એટલે કે ડિસેમ્બરમાં વાવેતર શરૂ થશે. આ સમય દરમિયાન હવામાનની સ્થિતિ, જમીનમાં રહેલો ભેજ અને પાકના અંદાજ જીરાના બજારની આગળની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ રહેશે.
નિકાસ ઘટી, જ્યારે સ્ટોક ઊંચો રહ્યો
જીરાની નિકાસમાં ઘટાડો અગાઉ ભાવ પર દબાણનું એક કારણ રહ્યો હતો. 2026ના મે, જૂન અને જુલાઈમાં ભારતે અનુક્રમે 18,390 ટન, 12,259 ટન અને 10,903 ટન જીરાની નિકાસ કરી હતી. 2025ના સમાન મહિનામાં આ નિકાસ અનુક્રમે 24,454 ટન, 17,717 ટન અને 15,416 ટન હતી. એટલે આ વખતે નિકાસની માગ ઓછી રહી છે. બીજી તરફ, જીરાનો પુરવઠો છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ 6.08 લાખ ટન રહ્યો છે. સિઝનની શરૂઆતમાં વર્ષ દરમિયાન 2 લાખ ટન નિકાસનો અંદાજ મૂકવામાં આવ્યો હતો, પરંતુ જુલાઈ 2026ના અંત સુધીમાં નિકાસ માત્ર 98,941 ટન થઈ શકી હતી.
ઉંઝા યાર્ડમાં આવક છતાં વેપાર મર્યાદિત
ઉંઝા માર્કેટ યાર્ડમાં વિતેલા સપ્તાહ દરમિયાન જીરાની સરેરાશ દૈનિક આવક 14,000થી 15,000 બોરી રહી હતી. સ્ટોકિસ્ટોને ભાવ વધતા ખેડૂતો માલ વેચવા માટે આગળ આવશે તેવી આશા હતી. જોકે, ઉંઝાના ખેડૂતો વ્યવસાયિક માનસિકતા ધરાવતા હોવાથી માત્ર ભાવ જાણવા માટે આવે છે અને નોંધપાત્ર વેચવાલી હજુ જોવા મળી નથી. તેથી ઊંચા ભાવ છતાં બજારમાં હાલમાં મોટો વેપાર જોવા મળતો નથી.
આ પણ વાંચો : Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી
આ પણ જુઓ:
Also Read

સોનાની ચમક ફરી વધી, ફેડના વ્યાજદર પર સસ્પેન્સ!

20 દિવસમાં ધાણાએ આપ્યું 20% સુધી વળતર, તહેવારી માંગથી ભાવમાં ફરી તેજી

Gold Silver Price Today : ડોલર મજબૂત, સોનામાં નરમાઈ, ચાંદી પણ ગગડી

દાળ પણ હવે મોંઘીદાટ! તુવેર દાળના ભાવમાં કિલોએ ₹30નો વધારો

Sugar Price: તહેવારો વચ્ચે ખાંડના ભાવ કાબૂમાં રાખવા સરકારનો મોટો નિર્ણય, બીજા પખવાડિયા માટે 16 લાખ ટનનો ક્વોટા

Gold Silver Price Today : ઓઈલ સસ્તું થતાં સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે તેજી પછી બ્રેક

Crude Oil Price: રશિયન ડીઝલ સપ્લાયની આશાએ ક્રૂડમાં ઘટાડો




