KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અમેરિકા-ચીનના પગલાંથી ક્રૂડ ઓઈલમાં ભડકો, બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરને પાર

મધ્ય-પૂર્વમાં અમેરિકાએ વધુ 10,000 સૈનિકોનો ખડકલો કર્યો, ચીને ફ્યુઅલ એક્સપોર્ટ અટકાવી

desk@kuberanowPublished On : 2 Oct 2026
Crude Oil
AI Generated Image

ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી એક વખત તેજી જોવા મળી રહી છે. 2 ઓક્ટોબર 2026ના રોજ બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર જતા રહ્યા. ઓઈલના ભાવમાં આવેલી આ તેજી મધ્ય-પૂર્વમાં અમેરિકાના સૈનિકોની વધતી તૈનાતીના અહેવાલોનું પરિણામ છે. એક અહેવાલ મુજબ અમેરિકાએ વધુ 10,000 સૈનિકોને મધ્ય-પૂર્વમાં તૈનાત કર્યા છે. અમેરિકા તેના સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે, જેનાથી ઈરાન સાથેનો તણાવ ફરીથી વધશે તેવી આશંકા વધી રહી છે. બીજીબાજુ ચીને ફ્યુઅલ એક્સપોર્ટ અટકાવી દીધી છે. ચીન દુનિયામાં રિફાઈન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો મોટો નિકાસકાર દેશ છે.


ક્રૂડ ઓઈલના ભાવમાં 2 ઓક્ટોબરને શુક્રવારે ફરીથી ઊછાળો જોવા મળ્યો છે. અમેરિકા અને ચીનના પગલાંથી બ્રેન્ટ ક્રૂડમાં પાંચ ટકા જેટલા વધ્યા હતા. શુક્રવારે સવારે WTI ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 92.67 ડોલર અને બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 102.35 ડોલર પર પહોંચી ગયા હતા. ગુરુવાર સુધી ઓઈલનો સપ્લાય સામાન્ય થવાની આશાના કારણે ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ સપ્તાહના અંતિમ કારોબારી દિવસે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. જેનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધશે તેવી આશંકાઓ વધી રહી છે.


ઈરાન પર મોટા હુમલાની આશંકાથી ઓઈલની કિંમતોમાં તેજી

અમેરિકા મધ્ય-પૂર્વમાં તેનું ત્રીજું વિમાનવાહક જહાજ સ્ટ્રાઈક ગ્રૂપ મોકલી રહ્યું હોવાના અહેવાલ ગુરુવારે સામે આવ્યા હતા. એટલે કે અણેરિકા મધ્ય-પૂર્વમાં તેના સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. એવા પણ સમાચાર હતા કે અમેરિકા નવેમ્બર સુધીમાં વધારાના 10,000 સૈનિકોની તૈનાતી કરી રહ્યું છે. અમેરિકાની આ તૈયારી ઈરાન વિરુદ્ધ મોટી કાર્યવાહીના સંકેત આપે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના નજીકના સાથીઓને કહી ચૂક્યા છે કે 3 નવેમ્બરે મધ્યવર્તી ચૂંટણી પૂરી થયા પછી ઈરાન પર મોટો હુમલો થઈ શકે છે.


બીજીબાજુ ચીને ફ્યુઅલ એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનમાં ગુરુવારથી એક સપ્તાહની રજા શરૂ થઈ છે. પરંતુ તેણે મોટી રિફાઈનરીઓને હોંગકોંગ અને મકાઉ સિવાય અન્ય ક્ષેત્રોમાંથી ફ્યુઅલની નિકાસને મંજૂરી આપી નથી. લિક્વિડ ફ્યૂઅલ એક્સપોર્ટ પર ચીનના પ્રતિબંધોએ ગ્લોબલ ફ્યૂઅલ સપ્લાય અંગે ચિંતા વધારી દીધી છે. બેઈજિંગે ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલે યુદ્ધ શરૂ કર્યા પછી માર્ચમાં ફ્યુઅલ એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જુલાઈમાં આ પ્રતિબંધો આંશિક હળવા કરાયા હતા. ત્યાર પછી ચીને માસિક ધોરણે ડીઝલ, ગેસોલિન અને જેટ ફ્યૂઅલના શિપમેન્ટ મેનેજ કરવાનું શરૂ કર્યું હતું.


ક્રૂડ ઓઈલનું ઉત્પાદન એક વર્ષમાં દૈનિક 90 લાખ બેરલ ઘટ્યું

અત્યારે ભલે હોર્મુઝની ખાડી સંપૂર્ણપણે ખુલ્લી નથી, પરંતુ વૈકલ્પિક માર્ગો મારફત ક્રૂડ ઓઈલનો સપ્લાય મધ્ય-પૂર્વમાં યુદ્ધ પહેલાના સ્તરે પાછો ફર્યો છે. સપ્લાય સામાન્ય થવા છતાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે, કારણ કે મધ્ય-પૂર્વમાં તણાવ ફરી એક વખત વધતો જોવા મળી રહ્યો છે. વધુમાં એક્સિસ કેપિટલના એક રિપોર્ટ મુજબ માર્ચથી ઓગસ્ટ વચ્ચે દુનિયામાં ક્રૂડઓઈલનું ઉત્પાદન એક વર્ષની સરખામણીમાં દૈનિક લગભગ 90 લાખ બેરલ (bpd) ઘટ્યું છે. બીજીબાજુ ઓઈલના વપરાશમાં મોટો ઘટાડો આવ્યો નથી. તેનો સીધો અર્થ એ છે કે દુનિયા જેટલા ઓઈલનો ઉપયોગ કરે છે તેની સામે ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે.


ઓઈલની અછત પૂરું કરવા માટે છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશોએ તેમના સ્ટોકમાંથી ઓઈલ કાઢવાનું શરૂ કર્યું. એક્સિસ કેપિટલના અંદાજ મુજબ માર્ચ પછી દુનિયાભરનો ઓઈલ ભંડાર અંદાજે 507 મિલિયન બેરલ ઘટી ગયો છે. OECD દેશોના કોમર્શિયલ ઓઈલ ભંડારમાં પણ અંદાજે 121 મિલિયન બેરલનો ઘટાડો આવ્યો છે. હાલ આ ભંડાર બજાર માટે એક પ્રકારના સેફ્ટી નેટનું કામ કરી રહ્યો છે. પરંતુ ચિંતા એ છે કે ઓઈલ ભંડાર આ ગતિએ ખતમ થતો રહેશે તો આ સુરક્ષા કવચ વધુ લાંબા સમય સુધી બજારને ટેકો આપી શકશે નહીં. એક્સિસ કેપિટલના અહેવાલ મુજબ ઓઈલ ભંડાર આ જ ગતિએ ખાલી થવાનું ચાલુ રહેશે તો 6થી 9 મહિના પછી બજાર પાસે આ સંકટનો સામનો કરવા માટે વધુ ઓઈલ બચશે નહીં. જોકે, તેનો અર્થ એ નથી કે 6-9 મહિનામાં દુનિયાનો ઓઈલ ભંડાર સંપૂર્ણપણે ખતમ થઈ જશે. પરંતુ ત્યાર પછી કોઈ નવા સપ્લાય અવરોધની અસર બજાર પર વધુ ઝડપથી થઈ શકે છે.


તણાવ વધતા ભારત પર શું અસર થશે?

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી તણાવ વધશે તો ઓઈલના ભાવમાં વધુ ઊછાળો જોવા મળી શકે છે, સપ્લાય ફરી એક વખત ખોરવાઈ શકે છે. ભારત એક મોટો ઓઈલ આયાતક દેશ છે એવામાં લાંબા સમય સુધી મધ્ય-પૂર્વમાં તણાવ વધે છે તો તેની અસર ભારતમાં પણ ઈંધણના ભાવમાં વૃદ્ધિના રૂપમાં જોવા મળી શકે છે. જોકે,અમેરિકા અને ઈરાન વચ્ચે સ્થિતિ સામાન્ય થઈ જાય તો ઓઈલની કિંમતો પણ યુદ્ધના પહેલાના સ્તર પર પાછી ફરી શકે છે.


આગામી મહિનાઓમાં ઓઈલનું ઉત્પાદન ઝડપથી નહીં વધે અને ભંડાર સતત ઘટતો રહેશે તો બજારનું સંતુલન કરવા માટે ઓઈલની કિંમતો પર દબાણ વધી શકે છે. ઊંચી કિંમતો માગને ઘટાડવાનું કારણ બની શકે છે, જેની અસર પેટ્રોલ-ડીઝલથી લઈને ઉદ્યોગો અને સામાન્ય ગ્રાહકો સુધીને અનુવાઈ શકે છે. હાલ સૌથી મોટો સવાલ એ છે કે નવો ઓઈલ સપ્લાય કેટલી ઝડપથી બજારમાં પાછો ફરે છે. કારણ કે દુનિયા પામેસ વર્તમાન ઓઈલનું સુરક્ષા કવચ જેટલું નાનું થતું જશે કોઈપણ નવા સપ્લાયના ઝાટકાની અસર એટલી જ મોટી થઈ શકે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn