આઠમું પગાર પંચ લાગુ થાય તે પહેલાં નિવૃત્ત થનાર કર્મચારીઓને એરિયર્સ મળશે? જાણો સરકારના નિયમો અને પેન્શનની સ્થિતિ
આઠમા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સમાં પગારવધારા, પેન્શન અને એરિયર્સ અંગે અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને નવા પગાર પંચના અમલ પહેલાં નિવૃત્ત થતા કર્મચારીઓને એરિયર્સ મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે.

8th Pay Commission: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ આઠમા પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહ્યા છે. નવા પગાર પંચથી પગારમાં કેટલો વધારો થશે, પેન્શન કેટલી વધશે અને અગાઉના સમયગાળાના એરિયર્સ મળશે કે નહીં તે અંગે અનેક સવાલો છે. ખાસ કરીને જે કર્મચારીઓ આઠમું પગાર પંચ લાગુ થાય તે પહેલાં નિવૃત્ત થઈ જશે, તેને નવા પગાર અને પેન્શનનો લાભ મળશે કે નહીં તે સૌથી મોટી ચિંતા છે. આઠમા પગાર પંચની ભલામણો સામાન્ય રીતે પહેલી જાન્યુઆરી, 2026થી અસરકારક થવાની અપેક્ષા છે, પરંતુ સરકારે હજુ સુધી અમલની અંતિમ તારીખ જાહેર કરી નથી. આવી સ્થિતિમાં નિવૃત્ત કર્મચારીઓને મળનારા સંભવિત લાભ અંગેની ચર્ચા વધી રહી છે.
આઠમું પગાર પંચ લાગુ થાય તે પહેલાં નિવૃત્ત થનારને એરિયર્સ મળશે?
આઠમા પગાર પંચને લઈને સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે નવા પગાર પંચનો અમલ થાય તે પહેલાં નિવૃત્ત થઈ જનાર કર્મચારીઓને પગારના એરિયર્સ મળશે કે નહીં. ધારો કે કોઈ કેન્દ્રીય કર્મચારી વર્ષ 2027માં નિવૃત્ત થાય છે અને ત્યારબાદ સરકાર આઠમા પગાર પંચની ભલામણોને પહેલી જાન્યુઆરી, 2026થી ભૂતકાળની અસર સાથે લાગુ કરવાનો નિર્ણય કરે છે. આવી સ્થિતિમાં સંબંધિત કર્મચારીને પહેલી જાન્યુઆરી, 2026થી તેની નિવૃત્તિની તારીખ સુધીના સમયગાળા માટે જૂના અને સંશોધિત પગાર વચ્ચેનો તફાવત એરિયર્સ તરીકે મળી શકે છે. જોકે, આ લાભ આપમેળે મળશે એવું નથી. તે સંપૂર્ણપણે સરકારના અંતિમ આદેશ, પગાર સુધારાની અસરકારક તારીખ અને એરિયર્સની ચુકવણી માટે નક્કી કરવામાં આવેલી શરતો પર આધારિત રહેશે. આથી માત્ર પહેલી જાન્યુઆરી, 2026ની તારીખથી પગાર પંચની ભલામણો લાગુ થાય તેવી અપેક્ષા હોવાને કારણે તમામ નિવૃત્ત કર્મચારીઓ એરિયર્સ માટે પાત્ર ગણાશે એવું કહી શકાય નહીં.
પહેલી જાન્યુઆરી, 2026થી પગાર પંચ લાગુ થશે કે નહીં?
કેન્દ્ર સરકારે 28મી ઓક્ટોબર, 2025ના રોજ આઠમા કેન્દ્રીય પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ (ToR)ને મંજૂરી આપી હતી. ત્યારબાદ ત્રીજી નવેમ્બર, 2025ના રોજ પંચની સત્તાવાર રચના કરવામાં આવી હતી. સરકારે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે સામાન્ય રીતે દર 10 વર્ષે નવા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવે છે. આ પરંપરાને ધ્યાનમાં રાખીને આઠમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી, 2026થી અસરકારક થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ ભલામણોની અસરકારક તારીખ અને વાસ્તવિક અમલની તારીખ અલગ હોઈ શકે છે.
સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ, આઠમા પગાર પંચની ભલામણો કઈ તારીખથી લાગુ કરવામાં આવશે તેનો નિર્ણય સરકાર કરશે. આથી કર્મચારીઓએ પગારવધારો અને એરિયર્સ અંગે સરકારની અંતિમ જાહેરાતની રાહ જોવી પડશે.
REWAએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને શું માંગ કરી?
નિવૃત્ત કર્મચારીઓના હિતોને લઈને રિટાયર્ડ એમ્પ્લોઈઝ વેલફેર એસોસિયેશન (REWA)એ પણ કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી છે. એસોસિયેશને સાતમી સપ્ટેમ્બર, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આઠમા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સમાં સ્પષ્ટતા કરવાની માંગ કરી હતી.
REWAનું કહેવું છે કે પહેલી જાન્યુઆરી, 2026 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને ફેમિલી પેન્શન મેળવતા લાભાર્થીઓને પણ પેન્શન સુધારાની પ્રક્રિયામાં સ્પષ્ટપણે સામેલ કરવા જોઈએ. એસોસિયેશને પેન્શન અને ફેમિલી પેન્શનના સુધારા સંબંધિત જોગવાઈઓનો ટર્મ્સ ઓફ રેફરન્સમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવા માંગ કરી છે. એસોસિયેશનની ચિંતા છે કે નિવૃત્તિની તારીખના આધારે કેટલાક પેન્શનર્સ નવા પગાર પંચના લાભથી વંચિત રહી શકે છે. આ મુદ્દે સરકાર સ્પષ્ટતા કરે તેવી માંગ કરવામાં આવી છે.
આઠમા પગાર પંચનો રિપોર્ટ ક્યારે આવશે?
આઠમા કેન્દ્રીય પગાર પંચને તેની રચનાની તારીખથી 18 મહિનાની અંદર ભલામણો રજૂ કરવાની સમયમર્યાદા આપવામાં આવી છે. પંચની સત્તાવાર રચના ત્રીજી નવેમ્બર, 2025ના રોજ થઈ હતી. આ સમયમર્યાદા મુજબ પંચે મે 2027ની શરૂઆત સુધીમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો છે.
16મી નવેમ્બર, 2026 સુધી પંચની રચનાને એક વર્ષથી વધુ સમય પસાર થઈ ગયો છે. જોકે, અંતિમ ભલામણો ક્યારે રજૂ કરવામાં આવશે તે અંગે હજી ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. જોગવાઈ મુજબ, જરૂર જણાય તો પંચ અમુક મુદ્દાઓ પર વચગાળાના રિપોર્ટ પણ આપી શકે છે. કર્મચારીઓ અને પેન્શનર્સની માંગણીઓની સમીક્ષા, નાણાકીય અસર અને અન્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પંચ ભલામણો તૈયાર કરશે. રિપોર્ટ તૈયાર થયા બાદ સરકાર તેની સમીક્ષા કરશે અને સ્વીકારવામાં આવેલી ભલામણોના અમલ અંગે નિર્ણય લેશે.
આ પણ વાંચો: સુકન્યા સમૃદ્ધિ ખાતું પાકે તે પહેલાં દીકરીનાં લગ્ન થાય તો પૈસા ક્યારે અને કેવી રીતે મળશે?
આ પણ જુઓ
Also Read

Loan Guarantor Fraud: તમારી જાણ વગર કોઈએ બનાવી દીધા લોન ગેરંટર? ક્રેડિટ સ્કોર બગડે તે પહેલાં આ રીતે કરો તપાસ

Gen Zએ બદલી બચતની રીત!, યુવાનોમાં કેમ વધી રહ્યો છે સોફ્ટ સેવિંગનો ક્રેઝ?

મ્યુચ્યુઅલ ફંડમાં Exit Load શું છે? જાણો સમય પહેલા પૈસા ઉપાડવાથી કેટલું નુકસાન થાય

Gratuity Calculation: ₹50,000 ના પગાર પર 5 વર્ષની નોકરી બાદ કેટલી ગ્રેચ્યુઇટી મળે? સમજો ગણિત

Silver ETFમાં ભારે વેચવાલી! SBI, HDFC સહિત 19 ETF લાલ નિશાનમાં

ફુગાવો 6%ને પાર જતાં ડિસેમ્બરમાં RBI વધારશે રેપો રેટ? હોમ અને કાર લોનના હપ્તા પર નજર

તમારી હોમ લોન જલ્દી પૂરી કરવી છે? જાણી લો RBI ના આ નિયમ, બચશે હજારો રૂપિયા





