KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

હળદરમાં તેજીનો ભડકો: પાક 25% ઘટવાની ભીતિ, સ્ટોક તળિયે પહોંચ્યો

હળદરના ભાવમાં આશરે એક મહિનાના વિરામ બાદ ફરી તેજી જોવા મળી રહી છે. આગામી સિઝનમાં હળદરનો પાક 20થી 25 ટકા ઘટીને 60થી 65 લાખ ગુણી રહેવાનો અંદાજ છે. સાથે જ FY27ના પ્રથમ ત્રિમાસિકમાં હળદરની નિકાસ ગત વર્ષની સરખામણીમાં વધી છે, જેના કારણે બજારમાં તેજીનો માહોલ બન્યો છે.

desk@kuberanowPublished On : 5 Oct 2026
Turmeric Prices
Turmeric Prices AI Generated Image

આશરે એક મહિનાનાં વિરામ બાદ હળદરના ભાવમાં નવેસરથી તેજીની ચિનગારી જોવા મળી છે. અલનિનોના કારણે દેશમાં ચોમાસુ 12 ટકા વરસાદની ઘટ સાથે પુરું થયું છે. એમાં પણ મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં હળદરનો પાક લેતા મથકોએ વરસાદની તીવ્ર ખેંચ રહી હોવાથી આગામી સિઝનમાં હળદરનો પાક 20થી 25 ટકા જેટલો ઘટવાના અનુમાન સાથે ભાવમાં નવેસરથી તેજી જોવા મળી હોવાનું નિષ્ણાંતો જણાવે છે.


વાશી એપીએમસીનાં મસાલા બજાર સ્થિત હળદરના નિકાસકારોના સપ્લાયર ભરત શાહે જણાવ્યું હતું કે હાલમાં હળદરના વેપારમાં તમામ ફંડામેન્ટલ્સ તેજીના દેખાય છે. તેથી સૌની માનસિકતા તેજીની થઇ છે. હળદરના પાકનું સાચું ચિત્ર ઓક્ટોબર મહિનામાં સ્પષ્ટ થશે પછી બજારની સાચી દિશા નક્કી થવાની આશા છે.


આગામી સિઝનમાં પાક ઘટવાની ધારણા

ઉત્પાદન કેન્દ્રોના નિષ્ણાતોના અંદાજ પ્રમાણે, ગત વર્ષે 75થી 80 લાખ ગુણી હળદરના ઉત્પાદનની સરખામણીમાં આ વખતે ઉત્પાદન 60થી 65 લાખ ગુણી રહી શકે છે. એટલે કે પાકમાં આશરે 20થી 25 ટકાનો ઘટાડો થવાની ધારણા છે. નિઝામાબાદમાં 12થી 13 લાખ ગુણી, ઇરોડમાં આશરે 15 લાખ ગુણી અને સાંગલીમાં પણ લગભગ 15 લાખ ગુણી ઉત્પાદનનું અનુમાન છે. અન્ય વિસ્તારોમાંથી 15 લાખ ગુણીથી વધુ ઉત્પાદન થાય તો કુલ પાકમાં થોડો વધારો થઈ શકે છે.


વાશી એપીએમસીના મસાલા બજારના હોલસેલ વેપારી અમરીશ બારોટે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં અલ નીનો અસરના કારણે ઓગસ્ટ મહિનામાં ઉભા પાક ઉપર 35 ડીગ્રી તાપમાનની ગરમી પડી હતી. જેનાથી હળદરના ઉતારા અને ગુણવત્તાને કેટલી અસર પડી તેનું ચિત્ર હવે સ્પષ્ટ થશે. હવે પછી વરસાદ પડે તો પણ પાકને વિશેષ લાભ થવાની શક્યતા ઓછી છે. આ ઉપરાંત લોકોની ખરિદશક્તિ પણ બજાર ભાવ ઉપર અસર કરતી હોય છે. બજાર કેટલી તેજી પચાવી શકે છે તે જોવાનું રહેશે.


હવામાનની અસરથી ઉત્પાદન અને ગુણવત્તા પર નજર

મહારાષ્ટ્રમાં ઓગસ્ટ દરમિયાન ઉભા હળદરના પાક પર આશરે 35 ડિગ્રી તાપમાનની ગરમી પડી હતી. હવામાનમાં આવેલા ફેરફાર, વરસાદની ખેંચ અને ગરમીના કારણે પાકના ઉતારા તથા ગુણવત્તા પર કેટલી અસર થઈ છે તેનું ચિત્ર આગામી સમયમાં વધુ સ્પષ્ટ થશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર દરમિયાન હળદરના પાકની સ્થિતિ વધુ સ્પષ્ટ થયા બાદ બજારની આગળની દિશા નક્કી થવાની શક્યતા છે.


નિકાસમાં પણ મજબૂતી

હળદરની નિકાસના આંકડા પણ બજાર માટે મહત્વના સંકેત આપી રહ્યા છે. એપ્રિલથી જૂન 2026 દરમિયાન ભારતે અનુક્રમે 15,039 ટન, 18,960 ટન અને 17,987 ટન હળદરની નિકાસ કરી હતી. આ ત્રણેય મહિનાની નિકાસ ગત વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં વધુ રહી છે. આથી સ્થાનિક પાકમાં ઘટાડાની ધારણા વચ્ચે નિકાસ બજારમાં પણ માંગનું મહત્વ વધે છે.


હાલ હળદરના ભાવ કેટલા?

વિતેલા સપ્તાહ દરમિયાન નિઝામાબાદમાં હળદરના ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹18,000થી ₹22,000ની વચ્ચે રહ્યા હતા. સાંગલીમાં ભાવ ₹22,000થી ₹22,500ની રેન્જમાં રહ્યા હતા, જ્યારે મરાઠવાડામાં મધ્યમ ગુણવત્તાની હળદરના સોદા ₹15,800થી ₹18,900 પ્રતિ ક્વિન્ટલની રેન્જમાં થયા હતા.


સ્ટોકમાં ઘટાડો પણ બજાર માટે મહત્વનો સંકેત

સિઝનના અંતે હળદરનો કુલ સ્ટોક 35 લાખ ગુણીથી ઓછો રહેવાની ધારણા છે. આ સ્ટોક છેલ્લા એક દાયકાના સૌથી નીચા સ્તરોમાંનો એક રહી શકે છે. જોકે, બજારમાં હળદરના ભાવ કેટલી તેજી પચાવી શકે છે તે ખરીદશક્તિ પર પણ નિર્ભર રહેશે. તેથી હવે પાકના વાસ્તવિક આંકડા અને ઓક્ટોબરમાં બજારની સ્થિતિ પર વેપારીઓની નજર રહેશે.


આ પણ વાંચો : IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

આ પણ જુઓ :

Share Link
WhatsAppFacebookXLinkedIn