Gold Investment : સોનું રૂ. 3.20 લાખને પાર જશે, કોણે કરી આગાહી?
અમેરિકન ડોલર સતત દબાણ હેઠળ રહે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 10,000ને પાર થાય તો ભારતમાં સોનામાં વિક્રમી સ્તર જોવા મળી શકે

અમદાવાદ : દુનિયામાં સદીઓથી સોનામાં રોકાણને એકદમ સુરક્ષિત માનવામાં આવે છે. જોકે, અમેરિકન ચલણ ડોલરનું પ્રભુત્વ વધતા સોનાના બદલે ડોલરમાં રોકાણ વધ્યું હતું. જોકે, હાલમાં પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન યુદ્ધ સહિત ભૂ-રાજકીય તણાવના કારણે ફરી એક વખત દુનિયાના દેશોએ સોનામાં રોકાણ વધાર્યું છે. ભારતમાં આ વર્ષે સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 1.63 લાખની સપાટીએ પહોંચતા બજારમાં બૂમરાણ મચી ગઈ હતી. જોકે, સોનું આગામી સમયમાં સોનું રૂ.3.20 લાખને પાર જઈ શકે છે તેવી આગાહીએ બજારમાં ભારે ચર્ચા જગાવી છે.
સોનામાં ભારે તેજી અંગેની આગાહી જેફરીઝના ગ્લોબલ હેડ ઓફ ઈક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ્ટોફર વૂડે કરી છે. તેમનું માનવું છે કે અમેરિકન બોન્ડ બજાર પર દબાણ વધશે તો અમેરિકાએ પોતાના ટ્રેઝરી યીલ્ડ ફરજિયાત નીચા રાખવા પડશે, જેથી ડોબલ નબળો થઈ શકે છે. આવી સ્થિતિ સોના માટે ખૂબ જ પોઝિટિવ સાબિત થશે. આવા વાતાવરણમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 10,000 ડોલરને પાર જઈ શકે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 4,366.80 ડોલર છે. આ સ્થિતિને ભારતીય વાતાવરણમાં સમજીએ તો સોનું રૂ. 3.20 લાખને પાર જઈ શકે છે. જોકે, આ બાબત કેટલીક પરિસ્થિતિઓ પર આધાર રાખે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 4,366.80 ડોલર
હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 4,366.80 ડોલર છે. અત્યારે ડોલર સામે રૂપિયો સરેરાશ 96ના સ્તરે છે. આ દૃષ્ટીએ જોઈએ તો આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1.35 લાખ જેટલો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનું ટ્રેડિંગ એક ટ્રોય ઔંસ પર થાય છે, જે ભારતમાં અંદાજે 31.10 ગ્રામ સોના સમાન છે. આમ, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પ્રતિ ઔંસ 10,000 ડોલરે પહોંચે તો એક ઔંસ સોનાનો ભાવ રૂ. 9,60,000 થાય. આ ભાવના આધારે એક ગ્રામ સોનાની ગણતરી કરવામાં આવે તો તે અંદાજે 30,865 થાય છે. આમ, ભારતમાં પ્રતિ 10 ગ્રામ સોનાનોભાવ અંદાજે રૂ. 3,08,650 થઈ જશે. આંતરરાષ્ટ્રીય કન્વર્ઝનની દૃષ્ટિએ ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 3 લાખને પાર પહોંચી શકે છે.
જોકે, સોના ભાવનું આ આંતરરાષ્ટ્રીય બજારમાંથી ભારતીય બજાર મુજબનું બેઝિક કન્વર્ઝન છે. ભારતમાં રિટેલ બજારમાં સોનાનો વાસ્તવિક ભાવ તેના કરતાં ઘણો વધુ હોઈ શકે છે, કારણ કે તેમાં ઈમ્પોર્ટ ડ્યુટી, જીએસટી, ડીલર માર્જિન અને અન્ય ચાર્જ પણ જોડાયેલા હોય છે. જ્વેલરી ખરીદવા પર ઘડામણ ચાર્જ પણ અલગથી આપવો પડે છે.
રૂપિયો નબળો કે મજબૂત થાય તેમ ભાવમાં ફેરફાર થઈ શકે
જોકે, સોનાનો રૂ. 3.20 લાખનો ભાવ ડોલર સામે રૂપિયો 96ના સ્તરે હોય અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 10,000 ડોલર થાય તો થઈ શકે છે. પરંતુ ડોલરના ભાવમાં ફેરફારની સાથે ભારતમાંસોનાનો ભાવ પણ બદલાઈ જશે. રૂપિયો નબળો થઈને ડોલર સામે 100ના સ્તરે પહોંચે તો 10,000 ડોલર પ્રતિ ઔંસ પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ અંદાજે રૂ. 3.22 લાખ થઈ શકે છે. બીજીબાજુ સોનું મજબૂત થશે તો ભાવમાં આંશિક ઘટાડો પણ જોવા મળી શકે છે.
ક્રિસવૂડનું કહેવું છે કે અમેરિકન બોન્ડ માર્કેટ અને ડોલરની દિશા સોનાના ભાવ સાથે સંકળાયેલા છે. અમેરિકન સરકારે વધતા દેવાં અને ઊંચા વ્યાજ ખર્ચના કારણે ભવિષ્યમાં ટ્રેઝરી યીલ્ડને કંટ્રોલ કરવા પડી શકે છે. ટ્રેઝરી યીલ્ડનો મતલબ અમેરિકન સરકારી બોન્ડ પર મળનારું રિટર્ન છે. અમેરિકા પોતાના ખર્ચ અને જૂના દેવાંના પગલે બોન્ડ વેચી નાણાં એકત્ર કરે છે. રોકાણકારો વધુ વળતર માગે તો સરકારનો વ્યાજ ખર્ચ વધી જાય છે.
અમેરિકન ટ્રેઝરી યીલ્ડ અને ડોલર પર દબાણ થાય તો સોનામાં ભાવ વધે
ક્રિસ વૂડ મુજબ અમેરિકાનો 10 વર્ષનો ટ્રેઝરી યીલ્ડ ગ્લોબલ ફાઈનાન્સિયલ માર્કેટ માટે ફેડરલ ફંડ્સ રેટથી પણ વધુ મહત્વપૂર્ણ છે. અમેરિકન સરકાર અથવા ફેડરલ રિઝર્વ બોન્ડ યીલ્ડ નીચે રાખવા માટે બજારમાં દખલ કરી શકે છે. જોકે, તેનાથી ડોલર પર દબાણ વધી શકે છે. ડોલર નબળો થાય તો સોનાને લાભ મળે છે. આમ, ડોલર લાંબા સમય સુધી નબળો રહે તો સોનું 10,000 ડોલરે પહોંચી શકે અને આ સ્થિતિમાં ભારતમાં સોનું રૂ. 3.20 લાખને પાર જઈ શકે છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

BANK HOLIDAY: દશેરા પર 19 કે 20 ઓક્ટોબરે બેન્ક બંધ રહેશે? જાણો કયા દિવસે ક્યાં રહેશે રજા

જીવન વીમો એટલે શું? તમારે જાણવા જેવી તમામ માહિતી

RBI New Rules: બેંકને ભૂલ પડશે ભારે! ગ્રાહકને મળી શકે રોજના ₹5,000 સુધીનું વળતર

માત્ર રોકાણ નહીં, પરિવારની આર્થિક સુરક્ષા; પોલિસી લેતા પહેલાં આ બાબતો સમજો

જિયોબ્લોકમાં નવું ગોલ્ડ ઈટીએફ લાવવાની તૈયારી, રૂ. 500થી કરી શકાશે રોકાણ

શેરબજારમાં પહેલી વાર રોકાણ કરો છો? SEBIના 7 મફત મોડ્યુલથી મળશે સમજ

નોકરિયાતો માટે કામના સમાચાર! ₹25,000થી વધુ કમાણી પર EPS સભ્યપદનું શું થાય?




